Add parallel Print Page Options

નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
    મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
    હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
    તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
    તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
    અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
મારું શરીર ભયથી ધ્રુજે છે,
    હું ભયથી ઘેરાઇ ગયો છું.
મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
    કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
    હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.

વિનાશકારી પવનનાં તોફાનથી
    હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
    મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
    શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
    જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.

12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
    એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
    નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
    મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
    અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.

15 એકાએક તેમના પર મોત આવો,
    તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
    તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.

16 હું તો દેવને પોકાર કરીશ,
    તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
    અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
    પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
    તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
    પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
    તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
    પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
    પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.

22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
    અને તે તમને નિભાવી રાખશે,
    તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.

23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
    ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.