Add parallel Print Page Options

પ્રજા માટે દાનિયેલની પ્રાર્થના

અહાશ્વેરોશનો પુત્ર માદીનો દાર્યાવેશ જે બાબિલ રાજ્યનો રાજા હતો, તેના પહેલા વર્ષમાં આ બનાવ બન્યો. તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.

પછી હું ગંભીરતાથી દેવ તરફ પ્રાર્થના સાથે જાણવા માટે વળ્યો, અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને રાખના ઢગલા પર બેસીને, મેં સાચા હૃદયથી દેવ મારા માલિકની પ્રાર્થના કરી. મેં દેવ યહોવાને પ્રાર્થના કરીને આપણા પાપોની કબૂલાત કરતા કહ્યું,

“હે યહોવા, હે મહાન અને ભયાવહ દેવ, તું તારા કરારને વળગી રહે છે, અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરૂણા રાખે છે.

“પરંતુ યહોવા અમે પાપ કર્યા છે, દુષ્ટ કૃત્યો કર્યા છે, તમારી સામે બળવો કર્યો છે, તમારી આજ્ઞાઓ અને તમારા હુકમોની ઉપેક્ષા કરી છે. અમારા રાજાઓને, આગેવાનોને તથા અમારા વડવાઓને અને દેશના બધા લોકોને તારા નામે ઉપદેશ આપનાર તારા સેવકો પ્રબોધકોની વાત અમે કાને ધરી નથી.

“હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.

“હે યહોવા, આ સર્વ દેશોમાં અમારે શરમાવાનું છે, અમારા રાજાઓને, આગેવાનોને અને અમારા વડવાઓને. કારણ, અમે બધાએ તમારી વિરૂદ્ધ પાપ કર્યા છે, અમે તમારા અપરાધી બન્યા છીએ.

“અમારા યહોવા દેવ, તમે તો દયાળુ છો અને ક્ષમા કરો છો, પણ અમે તમારી સામે બળવો પોકાર્યો છે. 10 હે યહોવા, અમારા દેવ, અમે તમારી વાણી માની નથી. તમારા સેવક પ્રબોધકો દ્વારા તમે અમને આપેલા સર્વ નિયમોનો અમે ભંગ કર્યો છે. 11 હા, સર્વ ઇસ્રાએલે તમારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. તેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભયાનક શાપ અમારા પર રેડી દેવામાં આવ્યો છે, કેમકે અમે તેની વિરૂદ્ધ પાપ કર્યુ છે.

12 “તમે અમને અને અમારા રાજ્યકર્તાઓને ચેતવણી આપ્યા પ્રમાણે જ કર્યું છે, અને યરૂશાલેમ પર અતિ ભારે આપત્તિ આવવા દીધી છે, પૃથ્વી પર બીજા કોઇ નગરમાં કદી એવી આપત્તિ આવી નથી. 13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા ઉપર ઊતરી છે, તેમ છતાં તમને, અમારા દેવ યહોવાને રીઝવવા અમે પ્રયત્ન કર્યો નથી; અમે પાપકૃત્યો છોડ્યાં નથી કે, અમે તમારા સત્યને માર્ગે ચાલ્યાં નથી. 14 હે અમારા દેવ યહોવા, તમે અમારા પર આફત ઉતારવાને રાહ જોઇને બેઠા હતા અને તમે તે ઉતારી પણ ખરી. તમે જે કઇં કર્યું છે તે બધું ન્યાયપૂર્વક કર્યું છે. કારણ, અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે.

15 “હે યહોવા, અમારા દેવ, તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને તમારું સાર્મથ્ય પ્રગટ કર્યું છે. તમારા નામનો મહિમા કર્યો છે. યહોવા ફરીથી એવું થવા દો! જો કે, અમે પુષ્કળ પાપ કર્યા છે અને અમે અધમતાથી ભરેલા છીએ. 16 હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.

17 “માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો. 18 હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ. 19 હે યહોવા, સાંભળો, હે યહોવા, ક્ષમા કરો, હે યહોવા, મારું સાંભળો અને કઇંક કરો. તમારા પોતાને માટે હે મારા દેવ, કારણકે તમારા લોકો અને તમારું નગર તમારા નામે ઓળખાય છે.”

70 સપ્તાહો વિષે સંદર્શન

20 હું આ પ્રમાણે પ્રાર્થના કરતો હતો, મારા અને મારા લોકો ઇસ્રાએલીઓના પાપની કબૂલાતો કરતો હતો અને મારા દેવ યહોવા સમક્ષ પવિત્ર પર્વત વતી વિનવણી કરતો હતો. 21 તે જ સમયે ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો. 22 તેણે મને કહ્યું, “દાનિયેલ, દેવના ભવિષ્યવચનો સમજવામાં તને મદદ કરવા હું અહીં આવ્યો છું. 23 તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે યહોવાએ તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું. કારણકે દેવ તને પુષ્કળ ચાહે છે. હવે તું સાંભળ, અને તેઁ જોયેલા સંદર્શનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર!

24 “તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમર્પિત થવાનું છે.

25 “માટે હવે તું સાંભળ! યરૂશાલેમ ફરી બાંધવાની આજ્ઞા અપાઇ એ સમયથી નિયુકત કરેલો રાજકુમાર આવે ત્યાં સુધીનો સમય સાત અઠવાડિયાઁનો હશે. છતાં યરૂશાલેમની શેરીઓ તથા ભીતો બાસઠ અઠવાડિયાઁમાં ફરીથી બંધાશે. આ આપત્તિનો સમય હશે. 26 બાસઠ અઠવાડિયાઁ પછી એ અભિષિકતનો વધ કરવામાં આવશે અને કોઇ તેનો પક્ષ નહિ લે. એક સેનાપતિ સૈના સાથે આવીને નગરીનો અને મંદિરનો નાશ કરશે; એનો અંત અચાનક રેલની જેમ આવશે અને અંતીમ સુધી નિર્માયેલાં યુદ્ધ અને વિનાશ ચાલ્યા કરશે.

27 “એ સેનાપતિ અન્ય લોકો સાથે સાત દિવસનું કબૂલાતનામું બનાવશે, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે; અને તે સમય દરમ્યાન વિનાશ નોતરશે, અને ધૃણાસ્પદ વસ્તુઓ કરશે. ત્યાં સુધી, જ્યારે અંતમાં યહોવાનો ચુકાદો તેની પર લાગુ કરવામાં આવશે.”