Add parallel Print Page Options

28 કોઇ પાછળ ન પડ્યું હોય તો પણ દુષ્ટ વ્યકિત ભાગે છે, પણ ભલી વ્યકિત તો સિંહની જેમ હિંમતવાન હોય છે.

ગુનાથી ભરેલા દેશમાં તેના રાજકર્તાઓ વારંવાર બદલાય છે. પણ બુદ્ધિમાન તથા જ્ઞાની રાજકર્તા હેઠળ તે દીર્ઘકાળ પર્યંત સ્થિરતા અનુભવે છે.

અસહાયને રંજાડતી ગરીબ વ્યકિત પાકનો તદૃન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.

જેઓ નિયમથી દૂર વળી જાય છે, તેઓ દુર્જનને વખાણે છે, પણ તે પાળનારા તેમનો વિરોધ કરે છે.

દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ જેઓ યહોવાને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.

અવળા માર્ગે ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.

જે પુત્ર નિયમને અનુસરે છે તે ડાહ્યો છે. પરંતુ નકામા લોકોની સોબત રાખનાર પુત્ર પિતાના નામને બટ્ટો લગાડે છે.

જે કોઇ વ્યાજખોરી અને વધુ પડતી નફાખોરીથી સંપત્તિની વૃદ્ધિ કરે છે; તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.

જે વ્યકિત નીતિનિયમ પાળતો નથી તેની પ્રાર્થના બેસ્વાદ હોય છે.

10 જે કોઇ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે, તે તેના પોતાના જ ખાડામાં પડે છે, પણ નિર્દોષ માણસનું ભલું થાય છે.

11 ધનવાન પોતાને ડાહ્યો માને છે પણ શાણો ગરીબ તેના દ્વારા સત્ય જાણે છે,

12 જ્યારે ન્યાયી વિજયી થાય છે ત્યારે આનંદોત્સવ થાય છે. પણ દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઇ જાય છે.

13 જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

14 જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે, પણ જે નઠોર બની જાય છે તે દુ:ખી થશે.

15 ગરીબો પર રાજ્ય કરતો દુષ્ટ રાજકર્તા ત્રાડ નાખતા સિંહ જેવો અને ધસી આવતા રીંછ જેવો છે.

16 સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ લોભનો જેને તિરસ્કાર છે તે લાંબો સમય રાજ્ય કરશે.

17 ખૂન માટે દોષી વ્યકિત કબર તરફ આગળ વધશે, કોઇ તેને મદદ કરશો નહિ.

18 જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, જે પોતાના માર્ગેથી ફંટાય છે. તેની અચાનક પડતી થશે.

19 જે માણસ પોતાની જમીન ખેડે છે, તે પેટ ભરીને જમશે, પરંતુ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે.

20 વિશ્વાસુ વ્યકિત આશીર્વાદથી ભરપૂર થશે. પરંતુ ઉતાવળે ધનવાન થવા જનારને સજા થયા વગર રહેશે નહિ.

21 પક્ષપાત કરવો એ યોગ્ય નથી; તેમ જ કોઇ માણસ રોટલાના ટૂકડા માટે ગુનો કરે તે પણ સારુ નથી.

22 લોભી વ્યકિત પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે પોતાના ઉપર દરિદ્રતા આવી પડશે.

23 જે પ્રશંસા કરે છે તેના કરતાં જે વ્યકિત ઠપકો આપે છે તેને વધુ કૃપા મળશે.

24 જે પોતાના માતાપિતાને લૂંટે અને પોતાની માને કહે કે, એમાં પાપ નથી, તે નાશ કરનારનો સોબતી છે.

25 જે વ્યકિત લોભી મનની હોય છે, તે ઝઘડા જગાવે છે, પણ જે યહોવા પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.

26 જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઇ ડહાપણથી વતેર્ છે તેનો બચાવ થશે.

27 ગરીબને ધન આપનારને ત્યાં ખૂટવાનું નથી, પણ જે આંખમીંચામણાં કરશે તે ઘણા શાપ પામશે.

28 દુર્જનો સત્તા પર આવે ત્યારે લોકો સંતાઇ જાય છે. જ્યારે તેઓની પડતી આવે છે ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે.