Add parallel Print Page Options

દેવનો ડર અને ઉદ્ધારનું વચન

57 સારા માણસો મરી જાય છે,
    પણ કોઇ વિચાર કરતું નથી;
ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે.
    શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી.

ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે
    તે તેઓ સમજતા નથી.
દેવનો ડર રાખીને સત્યને માર્ગે ચાલનારાઓ મૃત્યુમાં શાંતિ
    અને આરામ પામે છે.

“પરંતુ તમે જાદુગરના પુત્રો,
    વ્યભિચારી અને વારાંગનાના સંતાનો!
    અહીં પાસે આવો.
તમે કોની મશ્કરી કરો છો?
    તમે કોની સમક્ષ મોં પહોળું કરી,
જીભ કાઢી ચાળા પાડો છો?
    શું તમે પાપીઓનાં અને જૂઠાઓના સંતાનો નથી?
તમે એકેએક દેવદાર વૃક્ષ
    નીચે વિષયભોગ કરો છો,
ખાડીમાં અને ખડકોની ફાટોમાં
    બાળકોનો ભોગ આપો છો.
ખાડીમાંના સુંવાળા પથ્થરો તમારો વારસો છે,
    તમે તેને જ લાયક છો,
તમે તેમને પેયાપર્ણ અને ખાદ્યાર્પણ ચઢાવો છો.
    યહોવા કહે છે કે, શું આ બધાને હું નજર અંદાજ કરીશ?
તમે ઊંચા ઊંચા પર્વતો પર બલિદાનો અર્પણ કરવા જાઓ છો
    અને વિજાતિય વ્યવહાર કરો છો.
તમારા ઘરના મુખ્ય બારણા
    અને બારસાખ પાછળ
તમે તમારી મૂર્તિઓ ગોઠવી છે.
    તમે મારો ત્યાગ કર્યો છે.
હે મારી પ્રજા, તું તો વારાંગના જેવી છે!
    મને છોડીને તારી પહોળી પથારી પર નવસ્ત્રી થઇને સૂતી છે,
અને તું મનપસંદ માણસો સાથે સોદા કરી
    તારી કામવાસના સંતોષે છે.
તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ
    દેવને ભેટ તરીકે અર્પણ કર્યા છે.
સંદેશવાહકોને દૂર દૂરના
    શેઓલમાં મોકલે છે.
10 લાંબી યાત્રાથી તું થાકી જાય છે;
    પણ તું અટકતી નથી.
તેં તારી ઇચ્છાઓને બળવત્તર કરી
    અને તારી શોધમાં તું આગળ વધતી ગઇ.
11 તું કોનાથી આટલી બધી ગભરાય છે?
    કે તું અસત્ય બોલી?
તું મને કેવી રીતે ભૂલી ગઇ
    અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ?
શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે
    તું મારો ડર રાખતી નથી?
12 પરંતુ હવે હું તારાં એ પુણ્ય કૃત્યો
    અને ‘ન્યાયીપણું’ જાહેર કરીશ;
એ બંનેમાંથી એક
    પણ તારો બચાવ કરી નહિ શકે.
13 તું તારા બચાવ માટે ધા નાખીશ
    ત્યારે આ તારી ભેગી કરેલી મૂર્તિઓ
    તારી મદદે આવવાનાં નથી.
પવન તેમને તાણી જશે,
    અરે એક ફૂંક પણ તેમને ઉડાડી મૂકશે,
પણ જે મારું શરણું સ્વીકારશે,
    તે ધરતીનો ધણી થશે
    અને મારા પવિત્ર પર્વતનો માલિક બનશે.”

યહોવા પોતાના ભકતોને મદદ કરશે

14 વળી તે વખતે હું કહીશ: સડક બાંધો,
    રસ્તાઓ ફરીથી તૈયાર કરો.
મારા લોકોના રસ્તાઓમાંથી ખડકો અને પથ્થરો દૂર કરો.
    અને મારા લોકો માટે સરળ માર્ગ તૈયાર કરો.

15 જે અનંતકાળથી ઉચ્ચ
    અને ઉન્નત છે,
    તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે,
“હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું,
    પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે
પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું
    અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.
16 કારણ કે હું સદાકાળ તમારી પર ગુસ્સો કરીશ નહિ,
    અને આખો વખત તમને ઠપકો આપ્યા કરીશ નહિ.
કારણ, બધામાં પ્રાણ પૂરનાર, હું જ છું.
    જો એમ ન હોય તો મારા જ સજેર્લા બધાં લોકો મારી સામે મૂછિર્ત થઇ જશે.
17 તેમનાં લોભ અને પાપને કારણે ગુસ્સે થઇને મેં
    તેમને ફટકાર્યાં હતાં
અને મેં તેમનાથી મારી
    જાતને છુંપાવી દીધી હતી.
છતાં તેમણે હઠપૂર્વક મનમાન્યા
    માર્ગે જવાનું ચાલુ રાખ્યું.
18 તેઓ કયા માર્ગે ગયા છે એ મેં જોયું છે,
    તેમ છતાં હું તેઓને સાજા કરીને ઘા રૂઝવીશ.
હું તેઓને સાચો માર્ગ દેખાડીશ,
    હિંમત અને દિલાસો આપીશ;
19 હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ;
    જેઓ દૂર છે તેમજ પાસે છે
તેઓને શાંતિ થાઓ,
    કારણ કે હું તે બધાને સાજા કરીશ.”

20 પણ દુષ્ટ માણસો તો તોફાની સાગર જેવા છે,
    જે કદી શાંત રહેતા નથી,
જેના જળ ડહોળાઇને કાદવ
    અને કચરો ઉપર લાવે છે.
21 “દુષ્ટોને કદી શાંતિ હોતી નથી,
    એવું મારા દેવ કહે છે.”