Add parallel Print Page Options

મૂસાનું યાજકોને જુદા કરવું

યહોવાએ મૂસાને કહ્યું, “હવે હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જા અને સાથે તેમના પોશાક, અભિષેકનું તેલ તેમજ પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટાં અને બેખમીર રોટલીની ટોપલી લઈ જા. અને બધી જ ઇસ્રાએલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે.”

મૂસાએ યહોવાના કહેવા પ્રમાંણે કર્યું. તેથી સમગ્ર સમાંજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગો થયો. અને મૂસાએ તે લોકોને જણાવ્યું કે, “યહોવાએ આ પ્રમાંણે કરવાનું કહ્યું છે.”

ત્યારબાદ તેણે હારુનને અને તેના પુત્રોને આગળ લાવીને પાણીથી સ્નાન કરાવ્યું. પછી તેણે હારુનને અંગરખો, અને જામો પહેરાવી કમરબંધ બાંધીને એફોદ ચઢાવી તેનો ગુથેલો પટો કમરે બાંધી દીધો. પછી તેણે તેને ઉરપત્ર પહેરાવીને તેમાં ઉરીમ અને તુમ્મીમ જોડી દીધા. ત્યારબાદ યહોવાની આજ્ઞા મુજબ તેણે તેના માંથે પાધડી પહેરાવી અને આગળના ભાગમાં પવિત્ર મુગટરૂપે સોનાનું પદક એટલે કે પવિત્ર મુગટ લગાવ્યો.

10 પછી મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે બધાંયને પવિત્ર કર્યા. 11 તે વેદી પાસે આવ્યો અને તેના પર સાત વખત અભિષેકનું તેલ છાંટયું અને વેદી અને તેનાં બધાં વાસણો તથા કૂડી અને તેની ધોડી યહોવાને સમર્પણ કરી. 12 ત્યારબાદ તેણે હારુનના માંથા પર અભિષેકનું તેલ રેડયું અને દીક્ષાવિધિ કર્યો. 13 ત્યારબાદ યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ હારુનના પુત્રોને ઝભ્ભો પહેરાવ્યો, કમરે કમરબંધ બાંધ્યા અને માંથે પાઘડી બાંધી.

14 પછી પાપાથાર્પણના બળદને આગળ લાવ્યો અને હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા. 15 પછી મૂસાએ તેનો વધ કર્યો, અને તેનું થોડું લોહી લઈ તેની આંગળીથી વેદીનાં ટોચકાઓને લગાડ્યું અને આ રીતે તેને શુદ્ધ કરી, પછી બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે મૂસાએ વેદીને લોકોને શુદ્ધ કરવાના અર્પણો માંટે તૈયારી કરી. 16 પછી તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કાળજા પરની ચરબી અને બંને મૂત્રપિંડ અને તે પરની ચરબી લીધી અને વેદીમાં હોમી દીધી. 17 અને બળદનું ચામડું, તેનું માંસ અને છાણ, યહોવાની આજ્ઞા અનુસાર છાવણી બહાર કોઈ જગ્યા પર તેણે બાળી નાખ્યાં.

18 પછી તે યહોવા સમક્ષ દહનાર્પણ માંટેનો ઘેટો લઈને આગળ આવ્યો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા, 19 પછી મૂસાએ તેનો વધ કર્યો અને તેનું લોહી વેદીની ચારેબાજુએ છાંટ્યું. 20 ત્યારબાદ તેણે ઘેટાના ટુકડા કરી યહોવાની આજ્ઞા મુજબ, તેનું માંથું, ચરબી તથા બધા ટુકડાવેદીમાં હોમી દીધા. 21 તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા પછી આખા ઘેટાને વેદીમાં હોમી દીધો. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા મુજબનું એ દહનાર્પણ હતું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.

22 એ પછી મૂસા બીજા ઘેટાને એટલે કે યાજકના દીક્ષાવિધિ માંટેના ઘેટાને આગળ લાવ્યો; હારુન અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકયા. 23 મૂસાએ તેનો વધ કર્યો અને તેનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બુટ પર અને જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાડ્યું. 24 પછી તે હારુનના પુત્રોને વેદી પાસે લાવ્યો અને તેમના જમણા કાનની બૂટે તથા તેમના જમણા હાથના અને જમણા પગના અંગૂઠાએ થોડું લોહી લગાડયું. પછી મૂસાએ વેદીને ફરતું લોહી છાંટયું. 25 પછી તેણે જાડી પૂંછડી, આંતરડાં પરની ચરબી, કાળજા પરની ચરબી બન્ને મૂત્રપિંડ અને તેની ચરબી તેમજ જમણી જાઘ લીધી. 26 પછી આ બધા પર એક રોટલો, એક તેલ ચોપડલો રોટલો, અને બેખમીર રોટલીનો એક ટુકડો જે દરરોજ દેવની સામે મુકવામાં આવે છે તે ચરબી પર એને જમણા જાંઘ પર મૂકયો. 27 અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી. 28 પછી મૂસાએ તે બધું પાછું લઈને દહનાર્પણ ભેગું વેદીમાં હોમી દીધું. આ યાજકના દીક્ષાવિધિનો અર્પણ હતો અને તેની સુવાસથી યહોવા પ્રસન્ન થયા. 29 અર્પણના પછી મૂસાએ પશુની છાતી લીધી અને યહોવાની સામે આરતી કરી, આ રીતે યાજકના દીક્ષાવિધિના અર્પણમાંથી તેનો ભાગ મૂસાને મળ્યો હતો. આ બધું યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે મૂજબ કરવામાં આવ્યું હતું.

30 ત્યારબાદ મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું લોહી લઈને હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટીને યહોવાના ઉપયોગ માંટે પવિત્ર કર્યા.

31 પછી મૂસાએ હારુનને અને તેના પુત્રોને કહ્યું, “યહોવાની આજ્ઞા મુજબ આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જઈ ત્યાં રાંધીને યાજકના દીક્ષાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાજો. 32 માંસ અને રોટલીમાંથી જે કાંઈ વધે તે બાળી મૂકજો. 33 સાત દિવસ સુધી તમાંરે મુલાકતમંડપનું પ્રવેશદ્વાર છોડવું નહિ. તમાંરી દીક્ષાની વિધિ સાત દિવસ ચાલશે ત્યાર પછી તે પૂર્ણ થશે.” 34 તને શુદ્ધ કરવા માંટે આજે જે કરવામાં આવ્યુ છે તેનો આદેશ યહોવાએ કર્યો છે. 35 તમાંરે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને ચેતવણી આપતાં કહ્યું, “જો તમે તેના આદેશ નહિ માંનો તો તમે મૃત્યુ પામશો. આ યહોવાની આજ્ઞા છે.”

36 હારુન અને તેના પુત્રોએ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.