Add parallel Print Page Options

હાકેમ પિલાત ઈસુને પ્રશ્ન કરે છે

(માર્ક 15:2-5; લૂ. 23:3-5; યોહ. 18:33-38)

11 ઈસુ હાકેમ પિલાત સમક્ષ ઊભો રહ્યો. પિલાતે તેને પ્રશ્ર્નો પૂછયાં, તેણે કહ્યું, “શું તું યહૂદિઓનો રાજા છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું છું.”

12 જ્યારે મુખ્ય યાજક અને વડીલ યહૂદિ આગેવાનોએ ઈસુ પર આરોપો મૂક્યા. તેણે કંઈ જ કહ્યું નહિ.

13 તેથી પિલાતે ઈસુને કહ્યું, “તું આ લોકોને તારી આ બધી બાબતો માટે આરોપ મૂકતા સાંભળે છે, તું શા માટે ઉત્તર આપતો નથી?”

14 પરંતુ ઈસુએ પિલાતને ઉત્તરમાં કંઈ જ કહ્યું નહિ. આથી પિલાત ઘણો જ આશ્ચર્યચકિત થયો.

પિલાત ઈસુને મુક્ત કરવાના પ્રયત્નમાં નિષ્ફળ

(માર્ક 15:6-15; લૂ. 23:13-25; યોહ. 18:39–19:16)

15 પ્રતિ વર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ કેદમાંથી એક વ્યક્તિને મુક્ત કરતો. હંમેશા લોકો જે વ્યક્તિને ઈચ્છે તેને મુક્ત કરવામાં આવતો. 16 તે સમયે ત્યાં કેદમાં એક માણસ હતો જે ઘણો કુખ્યાત હતો. તેનું નામ બરબ્બાસ હતું.

17 બધા લોકો પિલાતને ઘરે ભેગા થયા. પિલાતે લોકોને કહ્યું, “હું તમારા માટે એક માણસને મુક્ત કરીશ. તમે ક્યા માણસને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો? બરબ્બાસ કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” 18 પિલાતે જાણ્યું કે લોકોએ ઈસુને અદેખાઈને કારણે તેને સોંપ્યો.

19 પિલાત જ્યારે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેણે આ બાબતો કહીં. જ્યારે તે ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો. સંદેશામાં કહ્યું, “તે માણસ સાથે કંઈ જ કરીશ નહિ, તે માણસ નિર્દોષ છે. આજે મને તેના વિષે સ્વપ્ન આવ્યું હતું, અને તેનાથી મને ઘણું દુ:ખ થયું.”

20 પરંતુ મુખ્ય યાજકો અને વડીલ યહૂદી નેતાઓએ લોકોને સમજાવ્યા કે બરબ્બાસને મુક્ત કરવો અને ઈસુને મારી નાખવા વિનંતી કરો.

21 પિલાતે કહ્યું, “મારી પાસે બરબ્બાસ અને ઈસુ છે. મારી પાસેથી આ બેમાંથી તમારા માટે કોને મુક્ત કરાવવા ઈચ્છો છો?”

લોકોએ ઉત્તર આપ્યો, “બરબ્બાસને!”

22 પિલાતે પૂછયું, “તો જે એક ખ્રિસ્ત કહેવાય છે, મારે તેની સાથે શું કરવું જોઈએ?”

પણ બધા લોકોએ ઉત્તર આપ્યો, “તેને વધસ્તંભ પર મારી નાખો!”

23 પિલાતે પૂછયું, “તમે શા માટે મારી પાસે તેને મારી નંખાવવા ઈચ્છો છો? તેણે શું ખોટું કહ્યું છે.”

પરંતુ બધા લોકોએ મોટે સાદે બૂમો પાડવાનું ચાલું રાખ્યું, “તેને વધસ્તંભ પર મારી નાખો!”

24 પિલાતે જોયું કે લોકોને વિચાર બદલવા માટે તે કંઈ કરી શકે તેમ નથી અને તેણે જોયું કે લોકો બેચેન થઈ રહ્યા હતા. તેથી પિલાતે થોડું પાણી લઈને હાથ ધોયા. જેથી તે બધા લોકો જોઈ શકે. પછી પિલાતે કહ્યું, “હું આ માણસના મરણ માટે દોષિત નથી. તમે જ તેમાંના એક છો જે તે કરી રહ્યાં છો!”

25 બધા લોકોએ ઉત્તર આપ્યો, “અમે તેના મરણ માટે જવાબદાર છીએ. અમે અમારી જાત માટે, તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ.”

26 પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો. પિલાતે કેટલાક સૈનિકને ઈસુને ચાબુક વડે મારવા કહ્યું. પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને સુપ્રત કર્યો.

પિલાતના સૈનિકો ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરે છે

(માર્ક 15:16-20; યોહ. 19:2-3)

27 પછી પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા. બધા સૈનિકો ઈસુને આજુબાજુ ઘેરી વળ્યા. 28 સૈનિકોએ ઈસુનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં અને લાલ ઝભ્ભો તેને પહેરાવ્યો. 29 પછી સૈનિકો મુગટ બનાવવા માટે કાંટાળી ડાળીઓનો ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુનાં માથા પર મૂક્યો, અને તેના જમણાં હાથમાં તેઓએ એક લાકડી મૂકી. પછી તે સૈનિકો ઈસુ આગળ નમ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “ઓ યહૂદિઓના રાજા, સલામ!” 30 સૈનિકો ઈસુ પર થૂંક્યા. પછી તેઓએ તેની લાકડી લીધી અને તેને માથામાં ઘણી વાર મારી. 31 તેઓએ ઈસુની મશ્કરી કરી રહ્યા પછી, સૈનિકોએ ઝભ્ભો ઉતારી લીધો અને ફરીથી તેને તેનાં પોતાનાં કપડાં પહેરાવ્યા. પછી તેઓ ઈસુને વધસ્તંભ જડવા માટે દૂર લઈ ગયા.

Read full chapter